આગામી ૨૮મીએ વડાપ્રધાનશ્રીની અંજાર મુલાકાત સંદર્ભે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું
આગામી તા. ૨૮/૧૧/૨૦૨૨ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જિલ્લાના અંજાર શહેર મધ્યે પધારનાર છે. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર અંજાર શહેરના વિસ્તારના રસ્તા પ૨ ટ્રાફિક નિયમન માટે હુકમો કરવા જરૂરી જણાય છે.
જેથી દિલીપ રાણા જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, તા.૨૮/૧૧/૨૦૨૨ ના સવારે ૧૦થી સાંજના ૧૮ વાગ્યા સુધી આશાબા પુલથી યોગેશ્વર ચોકડી સુધીના આવક-જાવક માર્ગ પર ભારે વાહનો પ્રવેશી શકશે નહી, પરંતુ તેના વૈલ્પિક માર્ગ તરીકે યોગેશ્વર ચોકડી તરફથી આવતા ભારે વાહનો નાગલપર વાળા રોડ ઉપર અને આદિપુર ગાંધીધામ તરફથી આવતા વાહનો મુન્દ્રા નેશનલ હાઇવે પર ડાયવર્ટ કરવા અને ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ ઉપરોકત માર્ગોનો ઉપયોગ કરવા ફરમાવેલ છે.
આ હુકમ સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી-અંજારના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહી.