ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો રાત્રીના ૧૦ પછી સભા, સરઘસ કે રેલી યોજી શકશે નહીં

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરે આયોજન થશે. આ સભા સરઘસ વ્યવસ્થિત રીતે યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતી જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય રાત્રીના ૧૦ વાગ્યા પછી કોઇ વ્યકિતઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ (૩૭) ની પેટા કલમ (૩) થી તેમને મળેલ સતાની રૂએ તા.૦૨/૧૨/૨૦૨૨ સુધી મનાઇ ફરમાવેલ છે.

આ જાહેરનામું સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ, સંસ્થાને, ફરજ પરના ગૃહરક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્ન પ્રસંગેના વરઘોડાને તેમજ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.

આ હુકમના કોઇપણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર આ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.