પવનચક્કીમાથી પાવર ઓઇલ ચોરીના આરોપીઓને પાલારા જેલમાં લઇ જતી વેળાએ જીપનો અકસ્માત

પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કમાંથી પાવર ઓઇલની ચોરી કરનારા આરોપીઓને નારાયણ સરોવર પોલીસે થોડા દિવસ અગાઉ પકડી લીધા હતા. આ આરોપીઓને દયાપર કોર્ટમાં રજૂ કર્યા પછી આરોપીઓને પાલારા જેલ મોકલવાનો આદેશ કરાયો હતો. આ ચાર આરોપીઓને સરકારી વાહન એવી પોલીસની જીપ નં. જી.જે. 18 જી.બી. 1312 મારફત ભુજ તરફ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે મથલ પાસે સામેથી આવતી લકઝરી બસને ઓવરટેક કરી બોલેરો પીકઅપ જીપ નં. જી.જે. 12 વાય. 1329ના ચાલક ઇબ્રાહીમ હસન ખલીફા (રહે. આમારા)એ ઠોકર મારતાં બંને વાહનમાં નુકસાન થયું હતું, જ્યારે આ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ અને આરોપીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બોલેરો પીકઅપ જીપમાં બેઠેલ ત્રણે સવારને સામાન્ય ઇજા પહોચતા 108 વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જીપના ચાલકે આરોપી ઇબ્રાહીમ સામે નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.