ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 16 વર્ષીય તરુણનું મોત નીપજયું

તરઘડીમાં રહેતો નિખિલ ભાલચંદ્રભાઇ નામનો 16 વર્ષીય તરુણ અને તેનો મિત્ર તરઘડીનો જ પારસ મનસુખભાઇ માવદિયા (ઉ.વ.33) બપોરે બાઇકમાં જઈ રહ્યા હતા ત્યારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે પહોંચ્યા હતા ત્યારે પુર ઝડપે ધસી આવેલી કારે બાઇકને અડફેટે લીધું હતું, કારની ઠોકરથી નિખિલ અને પારસ બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા, બેકાબૂ બનેલી કારે બાઇકને અડફેટે લીધા પછી છકડો રિક્ષાને પણ ઉલાળી દીધી હતી.
કારની ઠોકરથી છકડો રિક્ષા પણ પલટી ખાતા રિક્ષાચાલક સતિષ અને અનિલ પણ ઇજા પહોચતા ચારેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નિખિલનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણને દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત કરનાર કારચાલકની શોધખોળ આરંભી હતી.