મહેસાણાથી મહુડી દર્શનાર્થે જતાં GPSCના અધિકારીની ગાડી પલટી જતાં મોત

મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની રજા હોવાથી ગાડી લઇ મહુડી દર્શન કરવા જવા માટે નીકળ્યા ત્યારે રામપુરા ચોકડી અને દેવરાસણ વચ્ચે તેમની ગાડી રોડની સાઇડમાં કિલોમીટરના પથ્થર સાથે અથડાતાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં સુરેન્દ્રસિંહ ખપેડનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય ચારેક જણાને ઇજા પહોચતા સિવિલમા લઈ જવામાં આવ્યા હતા.
મહેસાણા શહેરમાં વિસનગર લીંક રોડ પર તિરૂપતિ હર્ષ રેસીડેન્સીમાં રહેતા સુરેન્દ્રભાઇ ખપેડ રવિવારે સવારે તેમના મિત્રની ગાડી (જીજે 09 બીએફ 3205) લઇ પુત્ર યુમિત, તેમના પિતા, માતા, બહેન સહિતની સાથે મહુડી દર્શન કરવા માટે નીકળ્યા હતા. ગાડી સુરેન્દ્રભાઇ ચલાવી રહ્યા હતા. સવારે 11.30 વાગે રામપુરા ચોકડીથી દેવરાસણ તરફના રોડ ઉપર ગાડી રોડ સાઇડે કિલોમીટર દર્શાવતા પથ્થર સાથે અથડાઈને પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઇજાગ્રસ્તને 108માં મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
તબીબે સુરેન્દ્રસિંહ ભગવાનભાઇ ખપેડ (45)ને મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે ભગવાનભાઇ વિરસંગભાઇ ખપેડને વધુ સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મૃતકના પુત્ર યુમીતકુમાર ખપેડે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.