નખત્રાણામાં વિવિધ ષડયંત્રોથી બ્લેકમેઇલીંગ કરતા બોગસ પત્રકાર, મહિલા સહિતની ગેંગ ઝડપાઇ

તાલુકાના વિરાણી મોટી ગામે રહેતા પ્રૌઢ ખેડૂતને જાળમાં ફસાવી મહિલા સહિત 4 આરોપીઓએ રૂ.5 લાખની ખંડણી માંગી હતી,જે કેસમાં ભોગ બનનારે પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.આ ગેંગ છેલ્લા ઘણા સમયથી નખત્રાણા પંથકમાં લોકોને યેનકેન પ્રકારે શિકાર બનાવતી હોવાનું પણ સામે આવ્યું છે. વિરાણી મોટી ગામે રહેતા ખેડૂતે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે,તેમના વેવાઈ અને સાઢુભાઈના દીકરા માટે છોકરી જોઈ આપવાનું કહી આરોપી ભારતીબેન ગરવાએ ફરિયાદીને ઘરે બોલાવી આપત્તીજનક ફોટા પાડી લીધા હતા.બાદમાં પ્રાચીનગરમાં રહેતા આરોપી જસવંત રમણભાઈ રોહીતે આવી ફોટા પાડી લીધા હતા અને અન્ય આરોપી હંસાબેન વાળંદ અને રાધાબેન વાઘેલાએ આવી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂ.12 હજાર પડાવી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રૂ.5 લાખની ખંડણી માંગી હતી,બાદમાં રૂ. 1 લાખમાં સોદો નક્કી થયો હતો અને 80 હજાર અને 60 હજારના ચેકો પડાવી લઈ વધુ પૈસાની માંગણી કરી હતી. વારંવાર પૈસાની માંગણી થતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો જેથી જશવંત પૈસા સ્વીકારવા આવ્યો ત્યારે જ તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો. પીઆઇ આર.જે.ઠુમ્મરે જણાવ્યું કે,બ્લેકમેઈલ કરતી ગેંગથી કંટાળી આ પ્રૌઢે પોલીસનો સંપર્ક કરી પોલીસ મદદ માંગી હતી.જેથી આરોપીએ પૈસા અને ચેક માટે મણીનગર રૂડીસતી માતા મંદિર પાસે પ્રૌઢને બોલાવ્યા ત્યારે પ્રૌઢની સાથે જઈ આરોપી જસવંત રમણભાઈ રોહીતને રંગે હાથ ઝડપી લેવાયો હતો.જેણે પોતાની ઓળખ આઝાદ ન્યુજ ચેનલના પત્રકાર તરીકેની આપી હતી.

ગુનામાં સંડોવાયેલા રાધાબેન કાન્તીલાલ વાઘેલા તથા ભારતીબેન ભીમજીભાઇ ગરવાની ધરપકડ કરવામાં આવી છે.જે પૈકી આરોપી જસવંતને કોર્ટમાં રજુ કરતા 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર થયા છે.જ્યારે હંસાબેન વાળંદ ફરાર છે.જેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.રીમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 12,000 તથા બે બેંકના ચેકો રીકવર કરવામાં આવેલ છે. આ કામગીરીને સફળ બનાવવા એસ.પી સૌરભસિંધ તથા ડીવાયએસપી બી.બી ભગોરાના માર્ગદર્શનમાં પીએસઆઈ આઇ.આર.ગોહીલ તથા એએસઆઇ મુકેશકુમાર સાધુ,વાછીયાભાઈ ગઢવી તથા સ્ટાફના ધનજી આયર,નરેન્દ્રસિંહ સોઢા,મુકેશસિંહ પરમાર,મહેન્દ્રસિંહ બારડ, મુકેશ મોદી જોડાયા હતા.

આ ગેંગનો લાંબા સમયથી અધમ હતો

બ્લેકમેઈલ કરતી આ ગેંગના માણસો લોકોને ફસાવી પૈસાની માંગણી કરતા હતા અને જો ન આપે તો છેડતી,બળાત્કાર,એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હતા.લાંબા સમયથી નખત્રાણા પંથકમાં આ ગેંગનો અધમ હતો ત્યારે આખરે ગેંગ ઝડપાઇ ગઈ છે.

કચ્છ માં આ પ્રકારના ગોરખધંધા લાંબા સમયથી ચાલતા રહ્યા છે ત્યારે પોલીસ વિભાગની કડકાઈ સમાયોચિત છે. તેમજ આમાં સાચા – સનિષ્ઠ પત્રકારોને સહન કરવું પડે છે તે ધ્યાને લઇ આવા લેભાગુ તત્વો સામે પોલીસ સત્તાવાળાઓ દ્વારા સર્વગ્રાહી ઝુંબેશ ચલાવવી એ સમયનો ટકાદો છે.