સતલાસણાના ટીંબાની સીમમાં રિક્ષા પલટી જતાં મહિલાનું મોત નીપજયું, 2 ઘાયલ

સતલાસણા તાલુકાના ટીંબા ગામની મહિલા રિક્ષામાં બેસીને ખેતરમાં જવા નીકળેલી ત્યારે પલટી ખાઈ જતાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે મહિલા સહિત 2 મુસાફરોને ઇજા થઈ હતી. પોલીસે રિક્ષાચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટીંબા ગામમાં રહેતા નટવરસિંહ હઠેસિંહ ચૌહાણ બપોરે બસ સ્ટેન્ડથી ઘેર જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમના પરિવારનાં કાકી ચૌહાણ વિનબા અને ચૌહાણ ઉષાબા બંને નળા વિસ્તારમાં આવેલા ખેતરમાં જવા માટે નીકળ્યાં હતાં. ચાલીને ત્રણેય જણા જઈ રહ્યા હતા, તે દરમિયાન આવેલી રિક્ષામાં ત્રણેય જણા બેસી ગયા હતા. થોડેક દૂર જતાં રિક્ષા અચાનક પલટી જતાં અંદર બેઠેલા નટવરસિંહ અને તેમના પરિવારના કાકી સહિત બે મહિલાઓ નીચે પડી જતાં ઇજાઓ પહોચી હતી. જેમાં ગંભીર ઇજા પહોચવાના કારણે ચૌહાણ વિનબાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે નટવરસિંહ અને ઉષાબાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે 108 મારફતે સતલાસણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે સારવાર બાદ રિક્ષાના ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી હતી.