પાલનપુરમાં કંપનીની ઓફિસનું તાળું ખોલી ચોરે રૂ.47 હજારની મત્તાની ચોરીને અંજામ આપ્યો

copy image

પાલનપુર ધનીયાણા ચોકડી પાસે એક કંપનીની ઓફિસનું તાળું ખોલી ચોરે અંદરથી રોકડ રકમ, લેપટોપ, સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂપિયા 47,249 ના મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. આ બાબતે કંપનીના સુપરવાઇઝરે પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ધનીયાણા ચોકડી પાસે આવેલી જીઓમાર્ટ (રિલાયન્સ) કંપનીની ઓફિસનું અજાણ્યા ઇસમોએ રાત્રે તાળું ખોલી અંદર ઘૂસ્યો હતો.

જ્યાં 10,000 નું લેપટોપ, રૂપિયા દસ હજારનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા તિજોરી નું લોક તોડી અંદર પડેલા રોકડા રૂપિયા 27,219 મળી કુલ રૂપિયા 47,219 ના મુદ્દા માલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં સુપરવાઈઝર સહિત દોડી આવ્યા હતા. આ બાબતે કંપનીના સુપરવાઇઝર સિધ્ધપુરના સુજાણપુરમાં રહેતા કુણાલ ઈશ્વરભાઈ ઠાકોરે પૂર્વ પોલીસ મથકેમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

કંપનીની ઓફિસનું તાળું ખોલીને ચોરીને અંજામ અપાયો છે. ઓફિસના ત્રણ માણસો પાસે ચાવીઓ રહેતી હતી. આથી કોણે ચોરી કરી તે નક્કી ન થતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં  આવી છે. ચોરી કરનાર ઇસમે પુરાવાનો નાશ કરવા અંદરથી સીસીટીવી કેમેરાના ડીવીઆરના વાયરો કાઢી નાંખ્યા અને ડીવીઆરની પણ ચોરી કરી ગયો છે.