પાવી જેતપુર નજીક89,745નો વિદેશી દારૂ પકડાયો, એક આરોપી જબ્બે, ત્રણ ફરાર

copy image
છોટાઉદેપુર એલસીબી પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, છોટાઉદેપુર તરફથી એક સફેદ કલરની કાર પાયલોટિંગ કરી તેની પાછળ સફેદ કલરની બીજી મોટી કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવવાની છે. જેથી તેજગઢ ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને તે મુજબ બાતમીવાળી કાર આવતાં પોલીસે ગાડીઓ અટકાવા માટે પ્રયત્ન કર્યો પરંતુ આ કારચાલકો પોતાની ગાડીઓ ન રોકી પૂરપાટે કીકાવાડા રોડ તરફ ભાગી ગયા હતા.
પોલીસે ફિલ્મી ઢબે તેઓનો 15 કિલોમીટર સુધી પીછો કર્યો. ડુંગરવાંટ થઈ કદવાલ તરફ આ ગાડીઓ જતી હતી ટે દરમિયાન કદવાલ પોલીસને જાણ કરવામાં આવતા કદવાલ પીએસઆઇએ પોતાના સ્ટાફ સાથે પાનીમાઈન્સ ચોકડી ઉપર નાકાબંધી કરી હતી. આ નાકાબંધી દરમિયાન પાયલોટિંગ વાળી ગાડી આવતા પોલીસે હાથ કરતા ગાડી થોડી દૂર ઊભી રહી હતી. જેમાંથી બે માણસો ઉતરી ભાગી ગયા હતા અને પાયલોટિંગવાળી કારનો ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરેલી આવતી ગાડી દૂરથી જ પોલીસને જોઈને રોડની બાજુ પર ગાડી ઉભી રાખી ગાડી ચાલક પલાયન થઈ ગયો હતો.
કદવાલ પોલીસે પાઇલોટિંગવાળી કારના ચાલક સુનિલ વીરસીંગ રાઠવાની અટકાયત કરી લીધી હતી. પાછળ આવતી ગાડીની અંદર તપાસ કરવામાં આવતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 630 જેની કિંમત રૂપિયા 89,745/- તથા પાયલોટિંગમાં વપરાયેલી કાર તથા દારૂ ભરેલી કાર બંનેની કિંમત રૂપિયા રૂ. 4,00,000/- મળી કુલ રૂ. 4,89,745/-ના મુદ્દામાલ સાથે આરોપી સુનિલ રાઠવાને ઝડપી લેવાયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકો પલાયન થઈ ગયા હતા.