ભુજમાં ફોન કરવાના બહાને મોબાઈલ લુંટી લેવાના બે બનાવ સામે આવતા ફરિયાદ નોંધાઈ
copy image
ભુજમાં પરિવારને ફોન કરવાનું કહી મોબાઈલની લુંટી લેવાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં માંડવીના ફરિયાદી નિસર્ગ બાબુભાઈ ખાખલાએ જણાવ્યું કે ભુજમાં રહેતો અને અભ્યાસ કરતો નાનોભાઈ સાહિલ તેની બહેન સાથે શહેરના છતરડી વિસ્તારમાં સવારના સમયે વાંચવા માટે બેઠો હતો.
આ દરમિયાન બાર વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા બે શખ્શો તેની પાસે આવી પોતાની બહેન અહી ગુમ થઈ ગઈ છે તેવું કહી બહેનને ફોન કરવા સાહિલનો મોબાઈલ માંગ્યો હતો.ફરિયાદીના ભાઈએ વિશ્વાસમાં આવી અજાણ્યા શખ્સને મોબાઈલ આપતા આરોપીઓ મોબાઈલ લઇ પલાયન થઈ ગયા હતા.જેની આસપાસના વિસ્તારમાં શોધ કરતા કઈ પત્તો લાગ્યો ન હતો.
ત્યાર પછી સાહિલે ઘરે ફોન કરી ઘટના બાબતે જાણ કરવામાં આવતા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા ગયા હતા.
તો ભુજમાં જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા લાલજીભાઈ પુંજાભાઈ મહેશ્વરી પણ પોતાના પૌત્ર અભિષેક વસંતભાઈ મહેશ્વરીના મોબાઈલની લુંટ થયાની ફરિયાદ નોંધાવા આવ્યા હતા.તેમના પૌત્ર અભિષેક સાથે શહેરની લેકવ્યુ હોટેલની પાસે સાડા બાર વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યા બે શખ્સો આવી ફોન કરવાના બહાને મોબાઈલ લઇ ભાગી ગયા હતા.સાહિલ પાસેથી મોબાઈલની લુંટ કરનાર અને અભિષેક પાસેથી મોબાઈલની લુંટ કરનાર બંને બનાવના આરોપી એકજ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.