આદિપુરમાં દુકાનની ઉપરનાં પતરા તોડી અંદર ઘૂસેલા તસ્કરે ૮૦ હજાર તફડાવ્યા
આદિપુરની ૬૪ બજારમાં થોડા દિવસ અગાઉ કાપડની દુકાન બહારથી મોંઘા પ્રકારની બાઈની ચોરીની કોશિશ થઈ હતી. ત્રણ તસ્કરોનો પીછો કરનારા યુવાનોને તમંચા જેવી વસ્તુ બતાવી ડરાવવાનો પ્રયાસ આ ત્રણ આરોપીઓએ કર્યો હતો. આ બનાવને હજુ થોડા જ દિવસો થયા છે, તેવામાં આ જ વિસ્તારમાં મેડિક્લ સ્ટોરમાંથી ચોરીનો બનાવ બનતાં ભારે ચક્ચાર મચી જવા પામી હતી.
આદિપુરના ૪-એ વિસ્તારમાં રહેતા જગદીશ ગોરધનદાસઆસ નાની ચોસઠ બજારમાં મોતીમહલ નામનો મેડિક્લ સ્ટોર ચલાવે છે. તે ગઈ કાલે રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા હતા અને આજે સવારે દુકાને આવી શટર ખોલતાં દુકાનમાં સરસામાન વેરવિખેર જણાયો હતો અને કાઉન્ટરમાંથી રૂપિયા ચોરાઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરોએ આ મેડિક્લ સ્ટોર ઉપર આવેલા માળનાં પતરાં તોડી અંદર ઘુસ્યાં હતા અને પછી સીડી વડે મેડિક્લમાં આવવાના દરવાજાનાં તાળાં તોડયાં હતાં. મેડિક્લના કાઉન્ટરમાં જુદા-જુદા દરની નોટો એમ કુલ રૂા. ૭૫,૦૦૦ તથા એક મોબાઈલ રાખવામાં આવ્યો હતો. તસ્કરોએ રોકડ રક્મ તથા મોબાઈલ એમ કુલ રૂા. ૮૦,૦૦૦ની મતાની ચોરી કરી હતી. ફરિયાદીએ દુકાનમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ કરતાં વહેલી સવારે ૪.૨૧થી ૬.૨૫ના ગાળામાં એક શખ્સ મેડિક્લમાં ઘૂસ્યો હતો અને ચોરી કરીને નાસી ગયો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ બનાવ અંગે ફરિયા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી અને ઠંડીના માહોલમાં ચોરીના આ બનાવથી લોકોમાં ચકચાર પ્રસરી હતી