રાજકોટના GIDCમાં શ્રમિકની ઓરડીમાં ગેસ લીકેજ થતા ભયંકર આગ ભભૂકી, પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્તા સારવાર અર્થે ખસેડાયા

રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટોડા-GIDCમાં શ્રમિકની ઓરડીમાં આગ ભભૂકતા 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે વહેલી સવારે ગેસ લીકેજ થતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ નં.2 ખાતે ‘40 ઓરડી’ નામે ઓળખાતા બિલ્ડીંગની એક ઓરડીમાં અચાનક ધડાકાના અવાજ સાથે આગ લાગી ઉઠી હતી તો આસપાસ રહેતા સ્થાનિકો અને શ્રમિકો દોડી આવ્યા હતા. જે ઓરડીમાં આગ લાગી હતી તેમાંથી દાઝેલી હાલતમાં વ્યકિતઓ બહાર દોડી આવ્યા. દાઝેલા વ્યકિતઓમાંથી અમુક બેહોશ થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા લોધીકા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. દાઝી ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી મળતી માહિતી અનુસાર દાઝી ગયેલા લોકો મૂળ ઉત્તરપ્રદેશના છે. એક જ પરિવારના કૌટુંબિક સગા છે.

 ઘટના અંગે જાણવા મળ્યું હતું કે દાઝેલા પાંચેય વ્યકિત મુળ ઉત્તરપ્રદેશના છે. અહીં 15 દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 પાસે આવેલી મેકપાવર કંપનીમાં કલર કામ અર્થે આવેલા અને ડામયંડ પાર્ક પાસે 40 ઓરડીમાં રૂમ ભાડે રાખી રહેતા હતા. આ પાંચેય વ્યકિત રાત્રે રસોઇ બનાવી જમીને સુતા હતા. રાત્રે જ ગેસના ચુલાનું બટન ચાલુ રહી જતા ગેસ રૂમમાં ફેલાઈ ગયો હતો. આ દરમ્યાન વહેલી સવારે મંગલીપ્રસાદ ઉઠતા તેણે બીડી જગાવતા જ આખા રૂમમાં આગ ફેલાઈ ગઇ હતી.