ગાંધીધામના મીઠીરોહરની સીમમાંથી કોલસા ચોરી કરતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા

ગાંધીધામના મીઠીરોહરની સીમમાં ઓપન બોન્ડેડનો કસ્ટમની ડયુટી ન ભરેલા કોલસાના જથ્થામાંથી રૂા. 87,300ના કોલસાની ચોરી કરતા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસના એક એ.એસ.આઇ.ની સંડોવણી પણ બહાર આવી. આ પોલીસકર્મી અને અન્ય બે મુખ્ય સૂત્રધારને  ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિક એ-ડિવિઝનની પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમ્યાન મીઠીરોહરની સીમમાં એ.વી. જોશી ગોદામ પાછળ ગાંધીધામ ડેવલોપર્સ પ્રા. લિમિટેડ નામની કંપનીના ઓપન બોન્ડેડ સર્વે નંબર 355/5માં કોલસાની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઇ  અને મેઘપર બોરીચીના ચેતન રસિકલાલ દવે, લોડર ડ્રાઇવર જાલમસિંઘ સગતસિંઘ રાજપૂત અને શંકરકુમાર બૈજનાથ શાહને ઝડપી લીધા હતા. અહીં ઉભેલા લોડર નંબર જી.જે. 12-સી. એમ. 6965 દ્વારા ટ્રક નંબર જી.જે. 03 એ. એક્સ.-5212માં માલ ભરાઈ રહ્યો હતો. ટ્રકમાં રહેલા માલ અંગે આ ઇસમો કોઇ આધાર-પુરાવા રજૂ કરી  શક્યા ન હતા. પોતાના મિત્ર કિડાણાનો અશોક ચારણ અને જીવણ ગઢવીએ એ-ડિવિઝનના એ.એસ.આઇ. રમેશ દાના પરમારના કહેવાથી પોતે અહીં કોલસાની ચોરી કરવા આવ્યો હોવાની કેફિયત ચેતન દવેએ પોલીસ સમક્ષ આપી હતી.

ઝડપાયેલા શખ્સના આ નિવેદનથી તપાસ કરતી એ-ડિવિઝન પોલીસ પણ ગોથે ચડી. ત્યારબાદ અશોક ચારણ અને જીવણ ગઢવીના મોબાઇલની કોલ ડિટેઇલ કઢવામાં આવતા પોલીસકર્મી રમેશ પરમારની અશોક સાથે અનેકવાર વાતચીત થઇ હોવાનું સામે  આવ્યું હતું. ઝડપાયેલા ચેતન દવે, જાલમસિંઘ તથા શંકરકુમાર પાસેથી રૂા. 87,300નો 29.100 ટન કોલસો તથા લોડર તેમજ ટ્રક એમ કુલ્લ 80,87,300નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પોલીસ કર્મી રમેશ પરમાર બંદોબસ્તમાં જિલ્લા બહાર હોવાથી તેમને અને અશોક, જીવણને પકડી લેવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.