ભુજના ભારાપરમાં યુવાનની હત્યા કર્યા બાદ લાશને વડમાં લટકાવી દેવાતા ચકચાર

crime

copy image

માનકૂવા પાસેના ભારાપર ગામમાં સાંજે તળાવ નજીક વડના ઝાડમાં બોથડ પદાર્થ વડે માથાના ભાગમાં ઘા મારી હત્યા નીપજાવેલી હાલતમાં ગામના 28 વર્ષીય યુવાન દિનેશ પચાણભાઇ મહેશ્વરીની લાશ લટકતી મળતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર ભારાપરના વડઝર રોડ પર દેવરિયા તળાવ નજીક સાંજે છ વાગ્યાની વેળામાં અપરિણીત એવા દિનેશની હત્યા નીપજાવેલી લાશ વડના ઝાડમાં લટકતી હોવાની વિગતો તેના ભાઇ પરેશ સુધી પહોંચતાં તેના શબને  ઉતારી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટનાના પગલે માનકૂવા પોલીસ મથકના પી.આઇ. ડી.આર. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દિનેશના પરિજનોએ નોંધાવેલી માહિતી અનુસાર દિનેશનો એકાદ મહિના અગાઉ છોકરાઓની બાબતને લઇને ગામના જ ઇસમો સાથે ઝઘડો થયો હતો, જેના મનદુ:ખમાં તેણે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તપાસના હિત અર્થે પી.આઇ. શ્રી ચૌધરીએ આરોપીનું નામ આપવાનું ટાળ્યું હતું. વહેલી તકે તેને પકડી પાડી પૂછપરછ હાથ ધરાશે તેવું શ્રી ચૌધરીએ જણાવ્યું હતું.