અંજારના વરસામેડીમાં સોસાયટીના બે મકાનના તાળાં તોડી ચોરે રૂા. 29,500 ની કરી તસ્કરી

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી અંબાજી સિટી સોસાયટીના બે બંધ ઘરના તાળાં તોડી ચોરે રૂા. 29,500ના સામાનની તસ્કરીને અંજામ આપ્યો હતો. વરસામેડી અંબાજી સિટી મકાન નંબર 261માં રહેતા મનીષ રોહતાસ શર્મા પોતાના વતન ગયા હતા ત્યારબાદ તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી પાણી ખેંચવાની બે મોટર, ગેસનું સિલિન્ડર, એલ.ઇ.ડી. ટી.વી., પીવાનો હુક્કો એમ કુલ રૂા. 17,000ની મતાની ચોરી કરાઇ હતી. આ જ સોસાયટીના મકાન નંબર 191-192માં પણ ચોરીની ઘટના બની હતી. આ મકાનમાં રહેનાર બંટીકુમાર સતીશકુમાર સિન્હા કામ માટે ઇંદોર ગયા હતા તેવામાં આ ફરિયાદી યુવાનના મકાનમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું. આ બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી પાણી ખેંચવાની મોટર, ગેસનું સિલિન્ડર, ઇલેક્ટ્રીક સગડી, ગીઝર, ટ્રીમર, રોકડ રૂા. 10,000 એમ કુલ રૂા. 12,000ની મતાની ચોરી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ ચોપડે નોંધ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.