આધોઈમાં બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યા

ભચાઉ તાલુકાના આધોઈ ગામમાં બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પડ્યું હતું.  નકલી ડોક્ટરને ઝડપી પાડી તેની પાસેથી મેડિકલને લગતા રૂા. 11,392નો સામાન જપ્ત કરવામાં આવ્યો. આધોઈના ઉદેયપુર વિસ્તારમાં ઈશ્વર વાઘેલા નામનો ઈસમ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ આધોઈ ગામે પહોંચી આવી હતી.  દુકાન પર ફેમિલી ક્લિનિક લખીને બિમાર લોકોની દવા કરતા ઈશ્વર ગાંગજી વાઘેલા નામના ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસે કોઈ ડિગ્રી, હોમિયોપેથી, આયુર્વેદિક કે કોઈ પણ જાતનું મેડિકલ સર્ટિફિકેટ કે કોઈ પણ ડૉક્યુમેન્ટ ન હોવાનું બહાર આવ્યું હતું. ધો. 12 ભણેલ આ ઈસમ દુકાનમાં બેસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. તેની દુકાનમાંથી સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્ષિમીટર, રક્તચાપ માપવાનું મશીન, ગ્લુકો સુગર મશીન, ટેમ્પ્રેચર ગન, વજન કાંટો તથા જુદા-જુદા રોગ મટાડવાની દવાઓ, ઈન્જેક્શન વગેરે મળીને કુલ રૂા. 11,392નો મેડિકલને લગતો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે