અંજારના વરસામેડી પાસેપકડાયેલા અખાદ્ય ગોળ સંદર્ભે પુથ્થકરણ થતાં અંતે ગોદામ માલિક વિરુદ્ધ થઇ ફરિયાદ નોંધાઈ
અંજારના વરસામેડી ઓક્ટ્રોય નાકા રેલવે ફાટકની બાજુમાં એક ગોદામમાંથી પોલીસે રૂા. 7,39,760નો અખાદ્ય ગોળનો જથ્થો કબ્જે કર્યો હતો તે પૈકી રૂા. 6,32,800નો ગોળ અખાદ્ય જ અને દેશી દારૂ બનાવવા આથામાં ઉપયોગમાં લેવાનો હોવાનું પૃથ્થકરણમાં બહાર આવતાં ગોદામ માલિક સામે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. અંજારના રેલવે ફાટક પાસે પ્લોટ નંબર 50માં આવેલા ગોદામમાં એસ.ઓ.જી.એ કાર્યવાહી હાથ હતી. અહીંથી ભીલીઓ, ડબ્બાઓમાં ભરેલો રૂા. 7,39,760નો 26,420 કિલો અખાદ્ય ગોળ શોધી કાઢવામાં આવ્યો હતો. આ માલમાંથી નમૂના લઇ તેને પૃથ્થકરણ માટે રાજકોટ મોકલી દેવાયો હતો. આ પૈકી રૂા. 6,32,800નો 22,600 કિલો ગોળ અખાદ્ય અને દેશી દારૂ બનાવવાના આથામાં વપરાતો હોવાનું બહાર આવ્યું હતું. આ ગોદામના માલિક, ગોળનો જથ્થો રાખનારા અંજારની જન્મોત્રી સોસાયટીમાં રહેતા શામજી ગોવિંદ ઝરૂ (આહીર) સામે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આવા અખાદ્ય ગોળના પ્રકરણમાં પણ કડક પગલાં લેવાય તો જ દેશી દારૂના હાટડાં બંધ થાય તેમ હોવાનું લોકો દ્વારા કહેવાઈ રહ્યું છે.