ગાંધીધામમાં બે ટ્રેઇલરનું 13 લાખ ભાડું ન ચૂકવતા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ  શહેરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ધંધા માટે બે ટ્રેઇલર ભાડે રાખ્યા અને પછી રૂા. 13,08,000 ભાડું ન ચૂકવાતા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. શહેરના જનતા કોલોની વિસ્તારમાં રહેતા ચેતન મંગલારામ અનકિયાએ કિડાણાના રાજ અજય ઓઝા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી થોડા સમય પહેલાં નરેન્દ્ર ફોરવર્ડર પ્રા. લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા હતા. તે દરમ્યાન તેમણે ટ્રેઇલર નંબર જી.જે. 12એ.ડબલ્યુ.1130 રૂા. 12 લાખમાં તથા ટ્રેઇલર નંબર જી.જે. 14 ડબલ્યુ-3035વાળું રૂા. 10 લાખનું ખરીદ્યું હતું. હપ્તા ઉપર લીધેલા આ વાહનોના હપ્તા ફરિયાદી ભરે છે. ગ્યાના મોટર્સમાં કામ કરતા રાજ અજય ઓઝાએ આ ફરિયાદી પાસેથી આ બંને વાહનો ધંધા અર્થે ભાડે લીધાં હતાં અને બંને વાહનોનું એક મહિનાનું રૂા. 1,40,000 ભાડું નક્કી કરી આ અંગે લેખિતમાં નોટરી સમક્ષ કરાર કરવામાં આવ્યો હતો. તા. 21-9-2022ના આ ભાડા કરાર કરાયા પછી ફરિયાદીનું રૂા. 14,23,000 ભાડું આરોપી ઉપર ચડી ગયું હતું. જે રકમ પૈકી રાજ ઓઝાએ રૂા. 1,15,000 ફરિયાદીને ચૂકવી દીધા હતા, પરંતુ બાકી નીકળતા રૂા. 13,08,000 ન આપતો હતો અને તેને વારંવાર ભાડાની માંગ કરાતાં રૂપિયા આપવામાં આયસા પાયસા કરતો હતો અને સંતોષકારક જવાબ આપતો ન હતો. અંતે રૂા. 13,08,000ની ઠગાઇ, વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદીને વાહનો પણ પરત કરવામાં આયસા પાયસા કરતા આ ઈસમ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.