હમીરસર તડાવના કિનારે 20થી 25 મૃત કાચબા નજરે પડ્યા
ભુજના હમીરસર તળાવના કિનારે 20થી 25 જેટલા મૃત કાચબા નજરે પડતાં હતા. જો કે હજુ સુધી મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. ભુજના હમીરસર તળાવમાં ઈદગાહ તેમજ ખેંગારબાગ પાસેના વળાંકમાં 20થી 25 મૃત કાચબા પડયા હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું. આ કાચબાઓને મૃત નિહાળી અનેક જીવદયાપ્રેમીઓના જીવ બળ્યા હતા. આ અંગે સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠકકરનો સંપર્ક સાધતાં તેમણે ત્વરિત ટીમ મોકલી તપાસ હાથ ધરી હતી. કાચબાઓના મૃત્યુનું કારણ જાણવા ફિશરીઝ કચેરીમાં તપાસ કરતાં શ્રી દાફડાએ જણાવ્યું કે, વાતાવરણમાં બદલાવને પગલે પારામાં વધઘટ કારણભૂત હોઈ શકે. આ ઉપરાંત તળાવના પાણીમાં પ્રદુષણ પણ કાચબાઓના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે. જો કે, અન્ય જળચરને બદલે માત્ર કાચબાઓના જ મૃત્યુ થયા હોય તો એ તપાસ થયા પછી જ સાચું કારણ કહી શકાય તેમ ઉમેર્યું હતું.