અમદાવાદમાં રિક્ષામાં પ્લાસ્ટિક ડ્રમમાં દારૂ છુપાવીને હેરાફેરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો: 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા નજીક રિક્ષામાં ડ્રમમાં દારૂ છુપાવી હેરફેર કરનાર ઈસમની અટકાયત કરી ક્રાઈમ બ્રાંચે 288 બોટલ સહિત કુલ રૂ.2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો ભરી આપનારા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ આકરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈને બાતમી મળી હતી કે, એક નંબર પ્લેટ વગરની સીએનજી રિક્ષા વિદેશ દારૂનો જથ્થો પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવી રાખી છારાનગર તરફ જવાનો છે, જેથી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન એક રિક્ષાને અટકાવી તેની તપાસ કરવામાં આવતા રિક્ષામાં પ્લાસ્ટિકના છ ડ્રમ હતા, જેમાંથી જુદી જુદી વિદેશી દારૂની 288 બોટલ હતી.
રિક્ષાચાલકની અટકાયત કરી પૂછતાછ કરવામાં આવતા તેણે પોતાનું નામ ચિરાગ પ્રજાપતિ (રહે. મેઘાણીનગર) હોવાનું જણાવ્યું હતું. રિક્ષાચાલકે વધુમાં જણાવ્યું કે, રોકેશ ગુપ્તાએ આ દારૂ ભરી આપ્યો હતો અને દારૂનો જથ્થો લઈને તેની પાછળ જવાનું કહ્યું હતું. પોલીસે તેને અટકાવતાં રોકેશ ગુપ્તા નાસી ગયો હતો. રોકેશ ગુપ્તાના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.