અમદાવાદનાં શાહપુરમાં 16 વર્ષીય કિશોર ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપાયો: 56 હજારનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદમાં એક્સેની ડેકી અંદર ઈ-સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરતા 16 વર્ષીય કિશોરને ક્રાઈમ બ્રાંચે શાહપુરમાંથી પકડી લીધો છે. કિશોર હોવાથી ક્રાઈમ બ્રાંચ દ્વારા 11 ઈ-સિગારેટ હસ્તગત કરી કિશોરના વાલીઓને બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ઈ-સિગારેટનો જથ્થો આપનાર યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈને બાતમી મળી હતી કે, એક ટુ-વ્હિલરચાલક ગાડીની ડેકીમાં ઈ-સિગારેટના જથ્થા સાથે શાહપુર લકી હોટલ પાસેના ત્રણ રસ્તાથી પસાર થવાનો છે. બાતમીના ક્રાઈમ બ્રાંચે એક્સેસ ચાલકની ગાડીની ડેકીમાંથી વિવિધ ફ્લેવરની 11 ઈ-સિગારેટ ઝડપી પાડી હતી. પૂછતાછ કરવામાં આવતા તેનું નામ મોહમદઅસદ શેખ (ઉં.16, રહે. વેજલપુર) હોવાનું જણાવ્યુ હતું. ઈ-સિગારેટનો જથ્થો ખાનપુરના રૈયાન શેખે આપ્યો હોવાનું કહ્યું હતું. મોહમદઅસદ શેખ કિશોર હોવાથી ક્રાઈમ બ્રાંચે ઈ-સિગારેટ સહિત કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.