જેતપુરના પીઠડીયા ગામ પાસે આઈસર ચાલકે બાઈક સવારને ઠોકર લેતા મોત નીપજયું: એક ઇજાગ્રસ્ત
જેતપુરના પીઠડીયા ગામ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આઇસર ચાલકે બાઇકને ઠોકરે લેતા બાઇક સવાર યુવક પર ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુય થયું હતું. જ્યારે બાઇક ચાલકને ઇજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નવાગઢ ખાટકી વાડમાં રહેતાં ઈમરાન ઈકબાલભાઈ લાખાણી તેની બાઈક પાછળ બાજુમાં રહેતા નવાઝ રજાકભાઈ કારવા(ઉ.વ.૨૨)ને બેસાડી જેતપુરના પીઠડીયા પાસે આવેલી શોલે હોટેલ પાસેથી પસાર થતા હતા તે સમય દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતા આઇસરે બાઇકને ઠોકરે લેતા બંને યુવકો ફંગોળાઈ ગયા હતા. જેમાં નવાઝ રજાકભાઇ કારવા પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બાઈક ચાલક ઈમરાન ઈકબાલભાઈ લાખાણીને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં ફરજ પરના ડોક્ટરે નવાઝને મૃત ઘોષિત કર્યો હતો. વિરપુર પોલીસ હોસ્પિટલ પહોચી જરૂરી કાર્યવાહી કરી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.