જેતપુરમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રે જ મિત્રની હત્યા નિપજાવી

જેતપુરના ઇલાહી ચોક, નવાગઢ મધ્યે રહેતા રબારી યુવાનની આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીએ તેની પત્નીના મૃતક સાથે આડા સબંધ હોવાથી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી. નવાગઢના ઇલાહી ચોકમાં રહેતા દેવાભાઈ સીદાભાઇ રાઠોડ નામના રબારી યુવાનની હત્યાની ઘટનામાં  સીટી પોલીસે મૃતકના પડોશમાં રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલિયાસ અમીન શેખની અટકાયત કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તો અંદાજે પાંચ મહિના પૂર્વે ઈલિયાસની પત્ની પાડોશમાં રહેતા એક યુવક સાથે નાસી ગઇ હતી ત્યારે દેવાએ ઈલિયાસની પત્નીને પાછા લાવવામાં મદદ કરી હતી. તેમજ ઈલિયાસની પત્નિને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ બાદ દેવો અવારનવાર ઈલિયાસના ઘરે બેસવા જતો હોવાથી આરોપીને તેની પત્નીના મૃતક સાથે આડા સંબંધ હોવાની આશંકા થઈ હતી અને હત્યા નિપજાવ્યાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.