ભુજમાં હમીસર તળાવ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા સાથે અસામાજિક તત્વોએ કર્યા ચેડાં
copy image
ભુજમાં હમીરસર તળાવ નજીક આવેલી રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને ફરી એકવાર નુકશાન કરી સરાજાહેર અપમાનિત કરવામાં આવી છે. ભુતકાળમાં અનેકવાર પ્રતિમાને તોડવાથી લઈને અન્ય રીતે મજાક-અપમાન કરવાની ઘટનાઓ બની ચૂકી છે આમછતાં પોલીસ કે પાલિકાએ આરોપીઓને પકડીને કડક પગલા ભરવાની કાર્યવાહી કરી ન હોવાથી બાપુની પ્રતિમા અસામાજિક તત્વો માટે મજાક કરવાનું સોફ્ટ ટાર્ગેટ બની છે.
મળતી માહિતી અનુસાર રાત્રે કોઈ અસામાજિક તત્વો બાપુની પ્રતિમાને કાળી ટોપી પહેરાવવા તથા પ્રતિમા ઉપર કાળા કલરાથી પપા એવો શબ્દ લખી ગયા છે. સવારે જ્યારે શહેરીજનો અહીંથી પસાર થયા ત્યારે આ બાબત ધ્યાનમાં આવતા પાલિકાને જાણ કરવામાં આવી હતી. જે બાદ સુધરાઈના સત્તાધીશો દોડતા થયા આને તાત્કાલિક કર્મચારીઓને મોકલીને પ્રતિમાની સફાઈ કરાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ સોશ્યિલ મીડીયા વડે શહેરભરમાં થઈ જતાં જાગૃત લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. લોકોએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં બાપુના ચશ્મા તોડી જવા, હાથ તોડી નાખવા, ગળામાં ચંપલનો હાર પહેરાવી દેવો જેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. આમછતાં આજદિન સુધી પાલિકાએ પોલીસ ફરીયાદ નથી નોંધાવી ઉપરાંત પોલીસે પણ સી.સી ટીવી કેમેરા અહીં મૌજુદ હોવા છતાં ફરજના ભાગરરૂપે આવા તત્વોને સામેથી પકડવાની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.