આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને ક્યારેય ભુલાવી શકાશે નહીં : મોદી
copy image

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલામાં 26 નાગરીકોએ જીવ ગુમાવ્યો હતો. પહેલગામ હુમલાની પહેલી વરસીએ પીએમ મોદીએ હુમલાના મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર મોદીએ એક્સ ઉપર લખ્યું હતું કે, ગયાં વર્ષે પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષોને ક્યારેય ભુલાવી શકાશે નહીં. આ દુ:ખની ક્ષણમાં તેઓની સંવેદના પીડિત પરિવારો સાથે છે. એક રાષ્ટ્રનાં રૂપમાં, શોક અને દ્રઢ સંકલ્પમાં તમામ લોકો એકસાથે છે. ભારત આતંકવાદના કોઈપણ રૂપની સામે નમશે નહીં. `માનવતાના દુશ્મન’ આતંકવાદીઓના નાપાક ઈરાદા કદી સફળ નહીં થવા દેવાય તેવું મોદી દ્વારા જણાવાયું હતું. ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંક સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના ઘૃણાસ્પદ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં,` તેમણે કહ્યું. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર નામનું પાકિસ્તાન સામે બદલો લેવા માટે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરી અને આતંકવાદી માળખાનો નાશ કર્યો હતો.