ચંદ્રાલા નજીક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાથી 2 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ચંદ્રાલા પાસેથી ખાનગી ટ્રાવેલ્સમા વિદેશી દારૂને લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બે પેટી પકડી પાડી હતી. પેસેન્જર બનીને આવી રહેલા બુટલેગરને ચીલોડા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ચીલોડા પોલીસની ટીમ રાત્રિ દરમિયાન ચંદ્રાલા નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સની બસ આવતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં પેસેન્જરનો સામાન ચેક કરવામાં આવતા મુસાફર બલવંતસિંહ મનોહરસિંહ રાઠોડ (રહે, ગાંધીનગર કોલોની, વોર્ડ નંબર 33, ઉદેપુર, રાજસ્થાન)ના સામાનમાંથી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. પોલીસે સામાન ચેક કરતા બે પેટી દારૂ 24 નંગ બોટલ કિંમત 23640 મળી આવી હતી.જેથી પોલીસે દારૂ લઇને આવી રહેલા બુટલેગરની અટકાયત કરી હતી, જ્યારે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને મગાવ્યો હોવાની તપાસ હાથ ધરાઈ હતી.