ભુજના સુખપરમાં વડીલોની જમીન મુદ્દે બે પરિવારના સભ્યો વચ્ચે મારામારી
ભુજ તાલુકાના સુખપર ગામમાં વડીલોની જમીન બાબતે પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની હતી. જમીન બાબતે થયેલી મારામારી આઠ લોકો વિરુદ્ધ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાઈ છે. મળતી માહિતી અનુસાર સુખપર ગામના ફરિયાદી પ્રેમજીભાઈ રામજીભાઈ વાઘજીયાણીએ જણાવ્યું હતું કે સુખપર મધ્યે આવેલ સર્વે નંબર 51/૩૩ તથા 52 વાડી જમીન પર ખેતી કામ માટે પત્ની અને બહેનો સાથે ગયા હતા. ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હતા.
આ દરમિયાન આરોપી ભત્રીજો ભરત મનજી વાઘજીયાણી,અરવિંદ શિવજી વાઘજીયાણી,હીરજી શિવજી વાઘજીયાણી અને શિવજી કરશન વાઘજીયાણીએ ખેતરમાં આવી ફરિયાદી સહીત તેની પત્ની રાધાબેન અને બહેન રામબાઈ તેમજ રતનબેન પાસે આવી ધોકા, કોદાળી અને કુહાડી જેવા હથિયારો વડે માર મારી ઈજાઓ કરી હતી. આ ખેતરમાં પગ મુકશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતા. મારામારીમાં ઈજાગ્રસ્ત થતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે લઇ જવાયા હતા. આ અંગે ફરિયાદીએ માનકુવા પોલીસ મથકમાં આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
તો ફરિયાદી ભરત મનજી વાઘજીયાણીએ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પત્ની સાથે સુખપર મધ્યે આવેલ સર્વે નંબર 52 પર ખેતી કામ માટે ગયો હતો.ત્યારે આરોપી પ્રેમજી રામજીભાઈ વાઘજીયાણી ખેતરમાં વાવેલ એરંડા અને રજકાના પાકમાં ટ્રેક્ટર વડે ખેડતા હતા.અમારું ખેતર કેમ ખેડો છો તેવું કહેતા ઉશ્કેરાઈને કાનજી રામજી વાઘજીયાણી,વાલજી કુવરજી હીરાણી અને અરવિંદ વાલજી હિરાણી સહિતના આરોપીઓએ કુહાડી અને ધોકા વડે હુમલો કરી ઈજાઓ કરી હતી. મારામારીમાં થયેલ ઈજાઓને લીધે સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ મધ્યે લઇ જવાયા હતા. આ અંગે માનકુવા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે. સુખપરના બે પરિવારના આઠ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.