નલિયામાં મિત્રના નામે 3 ડમ્પરો પર લોન લઇ 32 લાખની કરાઇ છેતરપિંડી

નલિયામાં અર્ચન કંપનીમાં ધંધા અર્થે ભાગીદારીમાં ડમ્પર લઇ છેતરપિંડી કરાઈ હતી.ફરિયાદીના નામે ત્રણ ડમ્પર પર લોન લઇ હપ્તા ન ભર્યા અને વાહન પરત ન આપતા નલિયા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઈ છે.ભુજના ગણેશનગર મધ્યે રહેતા ફરિયાદી કમલેશભાઈ જીવરામભાઈ ગોસ્વામીએ નલિયાના ખોના ફળિયામાં રહેતા આરોપી અતુલગીરી ઇશ્વરગીરી ગોસ્વામી સામે વિશ્વાસઘાતઅને ઠગાઈની ફરિયાદ નોધાવી છે. ફરિયાદીએ અર્ચન કંપનીમાં ધંધાઅર્થે આરોપી સાથે ભાગીદારીમાં જી.જે.07 વાય.જેડ 5752,જી.જે.16 જેડ 3194 અને જી.જે.12 એ.જેડ 9324 નંબરના ત્રણ ડમ્પર લીધા હતા. જેનું ડાઉનપેમેન્ટ આરોપીએ ભર્યું હતું.

જયારે ત્રણે ડમ્પર પર ફરિયાદીના નામે રૂપિયા 32,20,000 ની લોન લીધેલ હતી. આરોપીએ વાહનો પર લીધેલી લોનનો હપ્તો સમયસર ભર્યો હતો નહિ તેમજ ફરિયાદીને વાહનો પણ પાછા આપ્યા નહિ. આ અંગે આરોપી સામે નલિયા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.