આદિપુરમાં બંધ મકાનનાં તાળાં તોડી ચોરે 10 હજારની તસ્કરી કરી
આદિપુરના વોર્ડ 4-બી સાધુ વાસવાણી નગરમાં એક બંધ ઘરના નકુચા તોડી ચોરે તેમાંથી રોકડ રૂા. 10,000ની ચોરી કરી હતી. આદિપુરના વોર્ડ 2-બી વિસ્તારમાં રહેતા આદિત્ય કમલ કિશોર વ્યાસે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદીના સસરા અશોકકુમાર બિસ્સા વોર્ડ 4-બી સાધુ વાસવાણી નગરમાં પ્લોટ નંબર એચ.ડી.એસ. 93માં રહે છે. ફરિયાદીના પત્ની કોમલબેન અને ફરિયાદીના સસરા અને અન્ય લોકો લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયા હતા, આ દરમિયાન વહેલી પરોઢે ફરિયાદી પોતાનાં ઘરે હતા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને પોતાના પિતાના મકાનમાં તસ્કરી થઇ ગઇ હોવાનું જણાવ્યુ હતું, જેથી ફરિયાદી પોતાના સસરાનાં ઘરે ગયા હતા ત્યાં ચોકીદારી કરતા સુરેશભાઇએ બે ઈસમ દીવાલ કૂદીને રેલવે ફાટક બાજુ ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બંધ મકાનના લોખંડના અને લાકડાના દરવાજાના નકુચા તોડી બે ચોર ઇયસ્મ અંદર પ્રવેશ્યા હતા. અંદર બધુ જ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ટેબલના ખાનામાંથી રોકડ રૂા. 10,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આદિપુરમાં વધતા જતા ચોરીના બનાવોથી લોકોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.