આયરલૅન્ડની સંસદમાં સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનશિબિરનું આયોજન

ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો એવા યોગ અને ધ્યાનને આજે સમગ્ર વિશ્વમાં વ્યાપક સ્વીકાર મળ્યો છે. જીવનમાં શાંતિ, સુરક્ષા અને સર્વાંગીણ વિકાસ માટે લોકો જાતિ, ધર્મ, ભાષા, રંગ અને લિંગના ભેદભાવથી ઉપર ઊઠીને યોગ અને ધ્યાનને અપનાવી રહ્યા છે. યોગ અને ધ્યાનના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા અને વર્લ્ડ મેડિટેશન કમિટીના સભ્ય સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનું યોગદાન વિશેષ નોંધપાત્ર છે.

હિમાલયમાં વર્ષો સુધી કરેલી સાધના દ્વારા પ્રાપ્ત થયેલ આધ્યાત્મિક જ્ઞાનનો એમની પ્રેરણાથી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના 72 દેશમાં પ્રચાર થયો છે. ધ્યાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ હેતુથી તેઓ સમયાંતરે વિદેશપ્રવાસો પણ કરે છે. હાલમાં તેઓ યુરોપના પ્રવાસ પર છે, જ્યાં વિવિધ દેશો અને શહેરોમાં ધ્યાનશિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ જ પ્રવાસ દરમિયાન 24 જૂનના રોજ આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવચન, ધ્યાન તથા પ્રશ્નોત્તરીનો સુંદર કાર્યક્રમ યોજાયો. સાંસદોએ ધ્યાનનો અભ્યાસ કરીને તેની દિવ્ય અનુભૂતિનો લાભ લીધો.

કોઈ દેશના સંસદમાં યોજાયેલી આ શિબિર પ્રથમ વખત નહોતી; અગાઉ વર્ષ 2015માં ભારતની સંસદમાં તથા વર્ષ 2024માં યુ.કે. એ ઉપરાંત, જર્મની, શ્રીલંકા અને નેપાળની સંસદોમાં પણ સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનશિબિરો યોજાઈ હતી. હવે વર્ષ 2026માં આયરલૅન્ડની સંસદમાં પણ સાંસદો માટે આ વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ ઉપરાંત, આયરિશ મેડિકલ એસોસિએશન દ્વારા ધ જૉનસ્ટાઉન એસ્ટેટ ખાતે પણ વિશેષ ધ્યાનશિબિર યોજાઈ હતી. યાત્રા દરમિયાન ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રવચન અને ધ્યાન બાદ વિદ્યાર્થીઓએ ધ્યાન, આધ્યાત્મિક અનુભૂતિ તથા આભામંડળ (ઑરા) અંગે અનેક પ્રશ્નો પૂછ્યા, જેના સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વિસ્તૃત અને સંતોષકારક જવાબ આપ્યા.

લેસ્ટરમાં યોજાયેલી ત્રણ-દિવસીય ધ્યાનશિબિર અત્યંત સફળ રહી. તેમાં સાધકોને પૃથ્વીને માતા માનીને માત્ર પ્રાર્થના દ્વારા પોતાના રોગો અને નકારાત્મક વિચારોમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો. ઉપરાંત, પથ્થરની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કેવી રીતે કરવામાં આવે છે તેનો પણ પ્રયોગાત્મક અનુભવ કરાવવામાં આવ્યો. તમામ સાધકોએ ચૈતન્યની દિવ્ય અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કર્યો.

ડબલિન (આયરલૅન્ડ) સ્થિત સેન્ટ પેટ્રિક કેથેડ્રલના ડીન વિલિયમ મોર્ટનના આમંત્રણ પર સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ તેમની મુલાકાત લીધી અને વિવિધ આધ્યાત્મિક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી.

પૂજ્ય ગુરુમાનું ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’નું વિશેષ સત્ર આયરલૅન્ડના લિમરિક શહેરમાં બાળકો માટે યોજાયું હતું. આ શિબિરનું આયોજન મોનાલીઝ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાળકો તથા શિક્ષકોએ તેમાં ભાગ લઈને પ્રવચન અને ધ્યાનનો લાભ મેળવ્યો.

ગત વર્ષે લિક્ટનસ્ટાઇનમાં વર્લ્ડ મેડિટેશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ અંગે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી જણાવે છે કે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો યોગનો અર્થ માત્ર યોગાસન સુધી જ મર્યાદિત માને છે. હકીકતમાં યોગ એ અષ્ટાંગ યોગનું વ્યાપક વિજ્ઞાન છે અને યોગાસન તેનો માત્ર એક ભાગ છે. યોગ એ સ્વયંના અસ્તિત્વને જાણવાનો તથા કર્મમુક્ત અવસ્થા પામવાનો માર્ગ છે, જે ધ્યાન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. યોગના આ સાચા સ્વરૂપને જન-જન સુધી પહોંચાડવા માટે તેઓ સતત કાર્યરત છે.

હાલમાં એમની યુરોપયાત્રા ચાલુ છે અને આગામી દિવસોમાં પણ વિવિધ દેશોમાં અનેક ધ્યાનશિબિરોનું આયોજન થવાનું છે. હજારો સાધકો તેમનાં પ્રવચન, ધ્યાન અને દિવ્ય અનુભૂતિઓનો લાભ મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.