ભુજ તાલુકાનાં ધ્રોબાણામાં ઘર તરફના રસ્તાના મુદ્દે ફરીવાર ધીંગાણું

ભુજ તાલુકાનાં ધ્રોબાણાની હુશેનીવાંઢમાં મકાન બાજુ આવતા રસ્તાના બાબતે પૂર્વે માથાકૂટ થયા બાદ બંને પક્ષોની સંમતિથી રસ્તો બંધ કર્યા પછી ફરી રસ્તો ખોલી દેવામાં આવતા પડોશમાં જ રહેતા પરિવારના આઠ સભ્યોએ કુહાડી, ધોકા જેવા હથિયારોથી હુમલો કરી ત્રણને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ માથાકૂટ અંગે ખાવડા પોલીસ મથકમાં હુશેનીવાંઢના મામદ ઈસ્માઈલ સમાએ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેની બાજુમાં રહેતા મામદ્રીમ અબ્દુલ્લા સમા અને તેમના રહેણાક મકાન તરફ કોટડા (ખાવડા) બાજુથી આવતા રસ્તા અંગે ત્રણેક મહિના અગાઉ મનદુ:ખ થતાં બંનેની સંમતિથી આ રસ્તો બંધ કરી દેવાયો હતો, પરંતુ ગઈકાલે સાંજે આરોપી મામદ્રીમએ આ રસ્તો ખોલી દેતા ફરિયાદીએ ના પાડતાં બોલાચાલી કરી મૂઢમાર મારતાં ખાવડા હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસમાં  ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં રાત્રે ઘરે પહોંચતાં ત્યાં આરોપીઓ મામદ્રીમ અને તેના પુત્રો અજીજ, અકરમ, મલુક, સોયબ, જબાર, સતાર અને હકીમ નૂરમામદ સમા કુહાડી-ધોકા લઈને ઊભા હતા અને હથિયારો વડે હુમલો કરી ઘાયલ કર્યા હતા. આ હુમલાના મારથી બચાવવા વચ્ચે પડેલા તેમનાં પત્ની સલમાબાઈ તથા તેમના માતા આમનતબાઈને પણ કુહાડી-ધોકા મારતાં ત્રણે ઘાયલ થઈ જતાં  લોહીલુહાણ હાલતમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ઘાયલોને ટાંકા સહિતની ઈજા થઈ જોવાનું જણાયું હતું. ખાવડા પોલીસે આરોપીઓ સામે મહાવ્યથા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.