અંજારના ચાંદ્રોડમાં હિટાચી મશીન આપવાની ના કહેતા યુવકને ધોકા વડે મારમારાયો

મળતી માહિતી અનુસાર આદિપુરમાં રહેતા રાજેશકુમાર કમલેશભાઈ તિવારી એચ.પી.સી.એલ. કંપીનીમાં લાયજિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેમનું કામ ચાંદ્રોડ ગામની સીમ મધ્યે ચાલી રહ્યું હોવાથી તેઓ નિત્યક્રમ અનુસાર સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાની ફરજ પર હતા અને પોતાનું લાયજિંગનું કામ કરી રહ્યા હતા.

કંપનીના નિયમ અનુસાર કામગીરી ચાલુ હતી ત્યારે બપોરે 3 વાગ્યાના અરસામાં ખેતરના માલિક જયેશભાઈ જીવાભાઇ મરંડ ફરિયાદી રાજેશકુમાર પાસે આવેલ અને પોતાના કામકાજ માટે હિટાચીની માંગણી કરી હતી. રાજેશકુમારે હિટાચી આપવાની ના કહેતા તેઓ ઉશ્કેરાઈ ગાળો આપી, ધોકા વડે ડાબા પગમાં મૂઢ માર ઇજાઓ પહોચાડી ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ ફરિયાદી રાજેશકુમારને પગમાં દુખાવો થતાં સારવાર માટે અંજાર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે અંજાર પોલીસ મથકે જયેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.