ભુજમાં ભાજપના વિજય સરઘસનો ફાયદો ચોરે ઉપાડયો, ભીડમાં એક પુરુષનું પર્સ સરકાવ્યું
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં ભુજ ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલનું વિજય સરઘસ કઢવામાં આવ્યો હતો. આ ભીડનો ફાયદો ચોરે ઉપાડયો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ભુજના કિશોરકુમાર કાંતિલાલ પુજારા કેશુભાઈનું વિજય સરઘસ આવવાનું હોવાથી ભાજપ કાર્યાલય આવેલા હતા. બપોરે આશરે 4 વાગ્યાના અરસામાં કેશુભાઈ વિજય સરઘસ સાથે આવી પહોચતા હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભીડ ખૂબ વધુ હોવાથી એક ચોરે આ ભીડનો ફાયદો ઉઠાવી કિશોરભાઈના પાછડના ખિસ્સામાં રહેલું બ્રાઉન કરલનું પર્સ મારી લીધું હતું. પર્સમાં અંદાજે 5 હજાર રૂપિયા તેમજ પર્સનલ ડોકયુમેંટ આધાર કાર્ડ પાનકાર્ડ જેવા બીજા જરૂરી ડોકયુમેંટ ચોરી થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.
આ અંગે કિશોરભાઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ભુજ એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.