ભુજ તાલુકાના મખણા ગામે લાકડી અને ધોકા વડે થયેલા હુમલામાં માધાપર ગામના છકડા ચાલક, પરણિત યુવતીને ઇજાઓ

ભુજ તાલુકાના મખણા ગામે લાકડી અને ધોકા વડે હુમલો થવાના ગત રાત્રે બનેલી ઘટનામાં ભુજ તાલુકાના માધાપર ગામના છકડા ચાલક નવયુવાન દામજી સામજી મહેશ્વરી(ઉ.વ.18) તથા મખણા ગામની પરિણીત યુવતી સવિતાબેન ધનજી ભોજાભાઈ ચનેપાર (ઉ.વ.30)ને ઇજાઓ પહોચી હતી. આ બંનેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યા હતા. ભોગ બનનારે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત અનુસાર સવિતાબેન ચનેપારને દામજી મહેશ્વરી તેના છકડામાં મખણા મૂકવા ગયો હતો. રાત્રિના ભોજનનો સમય થઈ ગયો હોવાથી દામજીને જમીને જવાનો આગ્રહ કરતાં તે રોકાઈ ગયો હતો. આ દરમ્યાન સવિતાબેનનો જેઠ સામત ભોજા ખીમજી બુચિયા, મામાના દીકરા રાવજી હીરજી સીજુ તથા માતા જેઠીબેન આવીને આ હુમલો કર્યો હતો. હુમલામાં દામજીને માથામાં ઇજા પહોચી છે. જ્યારે સવિતાબેનને અસ્થિભંગ સહિતની ઇજાઓ થયેલ છે. આ બંનેને 108 મારફતે ભુજ ભુજ ખસેડાયા હતા તેમ પોલીસે ઉમેર્યું હતું.