અંજારનાં કોટડામાં પીઠળ માતાજીનાં મંદિરમાથી 60,000ની તસ્કરી
અંજાર તાલુકાનાં કોટડામાં આવેલ પીઠળ માતાજીનાં મંદિરમાથી ચાંદીના મુગટ, નાના મોટા છતરો તેમજ માતાજીને ચડાવેલા કડલા મળી આશરે 60,000ની તસ્કરી થઈ હોવાની ફરિયાદ દૂધઈ પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં સચિન દિનેશભાઇ રાજગોરે (મારાજ) જણાવ્યુ હતું કે તેઓ અને તેમના માતા આ મંદિરમાં આરતી અને દેખરેખ કરે છે. તેઓ રાત્રે મંદિરને તાળું આપી અંદાજે દશેક વાગ્યે સૂઈ ગયા હતા.બીજા દિવસે સાડા છ વાગ્યાના અરસામાં શામજીભાઇ ઉર્ફે ગેળાભાઈ ધમા મંદિરે દર્શનાર્થે આવતા મંદિરના દરવાજાના ભાગમાં લાગેલું તાળું તૂટેલું જોતાં ફરિયાદીના માતાને જાણ કરી હતી. મંદિરમાં જઈ તપાસ કરવામાં આવતા ચાંદીના મુગટ, નાના મોટા છતરો તેમજ માતાજીને ચડાવેલા દાગીના જોવા ન મળતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આશરે સવાથી દોઢ કિલો ચાંદીની તસ્કરી કરાઇ હતી. સી.સી.ટીવી તપાસ કરતા રાત્રિના બારથી એક વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર શખ્સો આવતા જતાં નજરે પડે છે આ શખસોના મોઢા માસ્ક-ટોપીથી ઢાંકેલા નજરે પડે છે. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.