ભારે જહેમત બાદ ભેખડ તળેથી વધુ બે લાશ મળી
સરહદી પચ્છીમ વિસ્તારમાં પૈયા (રતડિયા)ની પથ્થરની ખાણમાં ખનન દરમ્યાન મોટી ભેખડ ધસી પડતાં એક હિટાચી મશિનનો ભુક્કો બોલી ગયો હતો જ્યારે ત્રણ ટ્રક દબાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં ચાર શ્રમિક દટાયા હતા જેમાં એક અશોક પટેલની લાશ ગઇકાલે મળી આવી હતી અને એક ઘાયલ મળ્યો હતો. અન્ય દટાયેલા બે શ્રમિકને શોધવા ભારે જહેમત બાદ 28 વર્ષીય હિટાચી ઓપરેટર જ્ઞાનેન્દ્રપ્રસાદ કોલ અને 16 વર્ષીય શ્રમિક જયસિંહ બનસ્પતિસિંહની લાશ મળી આવી છે. આમ આ ઘટનાના ત્રણે મૃતક મૂળ મધ્યપ્રદેશના હતા. બપોર બાદ દટાયેલા આ બે શખ્સના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ અવાતાં પરિજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. હિટાચીના ઓપરેટર તરીકે કામ કરતા જ્ઞાનેન્દ્રપ્રસાદ બે વર્ષથી અહીં જ કામ કરતો હોવાની વિગતો મળી છે. બીજીતરફ, ખાણમાં આવી ગોઝારી દુર્ઘટના બની હોવા છતાં કંપનીના જવાબદાર વ્યક્તિઓ અહીં ન આવતાં મૃતકના પરિજનો તેમજ પચ્છમના આગેવાનોમાં નારાજગી ફેલાઇ છે.દરમ્યાન, સવારે સ્થળની મુલાકાતમાં અન્ય કામ કરતા શ્રમિકો આ ગોઝારી ઘટનાથી ભયભીત જણાયા હતા અને સ્થળ પર રતડિયા ગ્રા.પં.ના સરપંચ જુમાભાઇ અલીમામદ સમાએ આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને આ ખનનમાં કામ કરતા મજૂરો શ્રમિકોની સુરક્ષાનું શું ? તો સરપંચ જુમાભાઇએ પહેલાં પણ આ ખનનના બ્લાસ્ટરના ધડાકા તેમજ શ્રમિકોની સુરક્ષા વગેરે અંગે રજૂઆત કરી હતી. એમ.કે.સી. મૂળ માલિકના બદલે પાવરનામા તરીકે ત્રીજી પાર્ટી એમ.કે.સી. ચલાવી રહી છે જે શ્રમિકોની સુરક્ષાને લઇને બેદરકારી રખાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. ગોઝારી ઘટના આ પંથકમાં બનતાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. સવારમાં આ પંથકના લોકોના ટોળે?ટોળાં જોવા માટે ઉમટી પડતાં પોલીસે લોકોને આ સ્થળે નહીં આવવા અને પાછા જવાની અપીલ કરી હતી. તો રાત્રે ઘટના બન્યા બાદથી પૈયાના રહીમના ઉમર સમા, જુમા અલીમામદ સમા, હાજી અલાના સમા, મુસા મામદ સમા, રસીદ આમદ સમા, અભન જુમા સમા સહિતના લોકો તેમજ ખાવડા પી.એસ.આઇ. શ્રી વાઘેલા અને સ્ટાફ સતત ખડેપગે રહ્યા હતા. તો ભુજ મામલતદાર અને સિનિયર નાયબ મામલતદાર-ખાવડા, ખાણ-ખનિજ ભૂતળ શાત્રી અધિકારી શ્રી બારિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી જોષી, રતડિયામાં કાર્યરત એરફોર્સ સ્ટાફ, વિવિધ કાર્યરત એજન્સીઓના સત્તાવાળા તેમજ વિવિધ ગામના આગેવાનો રાહત અને બચાવની કામગીરીમાં સહયોગી બન્યા હતા.