લાકડિયામાં ખોટા દસ્તાવેજના આધારે 20 પ્લોટ વેચી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ
 
                ભચાઉ તાલુકાના લાકડિયામાં મુંબઈના વેપારીની માલિકીના પ્લોટ શખ્સે નકલી દસ્તાવેજના આધારે વેચી નાખી ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે ત્રણ શખ્સ વિરુદ્ધ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. રસીક વેરસી સાવલા, હિતેશ ગણપતરાય પંડયા અને ગણપતરાય પ્રહલાદરાય પંડયા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી છે. પૂર્વિબેન જયેશભાઈ ગાલાના જણાવ્યા અનુસાર મુંબઈમાં કાગળનો’ હોલસેલ વ્યાપાર કરતા જયેશભાઈ ગાલાએ મેકણ જેઠાલાલ ગાલાની માલિકીના પ્લોટના પાવરદાર આરોપી રસીક સાવલા પાસેથી વર્ષ 2010માં 35 લાખમાં 20 પ્લોટ લીધા હતા. વર્ષ 2020માં ફરિયાદીના પતિ લાકડિયા આવતાં ભચાઉ મામલતદાર કચેરીમાં તેમના 20 પ્લોટ તેમની માલિકીના હોવા છતાંય વેચાણ દસ્તાવેજ થયા હોવાનું જણાઈ આવતા આ અંગે તપાસ કરવતા જાણવા મળ્યું હતું કે, આરોપી રસીક સાવલા તેમણે ખરીદેલા 20 પ્લોટના વર્ષ 1995માં માલિકીહક્ક ધરાવતા હતા. આ જૂના માલિકીહક્કનો ગેરકાયદે રીતે ઉપયોગ કરીને તેમજ ફરિયાદીનાં નામની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી 20 પ્લોટ વેચી દીધા હતા. આ બાબતે આરોપી રસીકને વાત કરતાં તેમણે પ્લોટની રકમ અથવા દસ્તાવેજ રદ કરવાની વાત કરી હતી. નોટરી મારફત રૂબરૂમાં આરોપીનું કબૂલાતનામું લખાવી ફરિયાદીની માલિકીના પ્લોટ ગણપતરાય પંડયા અને હિતેશ પંડયાના દબાણ, ધાકધમકીથી ખોટી રીતે બોગસ પાવરનામું બનાવીને વેચ્યા હોવાનું અને વેચાણ દસ્તાવેજ રદ કરાવી આપવા કાયદાકીય રીતે જે પણ સહકારની જરૂરિયાત પડશે તો તેમ કરવા તૈયાર હોવાની કબૂલાત કમ માફીનામું કરી આપ્યું હતું. આથી આ 3 શખ્સો એકબીજા સાથે મળી પૂર્વ આયોજીય કાવતરું રચી વિશ્વાસઘાત કર્યો હોવાથી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        