બાઇક ધીમે ચલાવવાની વાતનું મનદુખ રાખી 6 શખ્સોએ ધારિયા ધોકા વડે હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ

અંજારમાં બાઈક ધીમે ચલાવવાનું કહેવામા આવતા તે વાતનું મનદુખ રાખી 6 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી છરી ધારિયા ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ચિરાગ જગદીશભાઇ સાધુએ ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર, આશરે છ એક મહિના અગાઉ ફળિયામાં રહેતા રીયાઝ ઉર્ફે પુલી અવાર-નવાર ફળિયામાં બાઈક ફૂલ સ્પીડમાં ચલાવતો હોવાથી ફરિયાદીના કાકા રવીભાઈએ બાઈક ધીમે ચલાવવાનું કહેતા રીયાઝે રવિભાઈને ધમકી આપી હતી. ત્યારબાદ ગઈ કાલે ફરિયાદી ત્રણેક વાગ્યે સ્કૂટીથી દુકાન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ફરિયાદીના બીજા ઘર પાસે રીયાઝ ઉર્ફે પુલી, સમીર અનવર ઉર્ફે ફનિયો, યાશીન બાવલા તથા ઈરફાન જુસબ લુહાર, જાકીર તથા રફિયા હજામનો છોકરો આ 6 શખ્સો ત્યાં ઊભા હતા. જેથી ફરિયાદીએ કહ્યું કે આ મકાનમાં ભાડુઆત રહે છે, અહી ઊભા ન રહો. આથી પુલી ફરિયાદીને ગાળો આપી ને કહેવા લાગ્યો કે આ રસ્તો તારા બાપનો નથી ત્યારબાદ ફરિયાદીએ દુકાને જઈને આ વાત તેમના ભાઈ હર્ષદને જણાવી હતી. ત્યારબાદ ફરિયાદી તેમના ભાઈ અને પપ્પા સાથે બીજા ઘર પાસે સમજાવવા ગયા ત્યારે ફરિયાદીના કાકા રવિભાઈ તથા ફલિયાના મયુર કાપડી પણ ત્યાં આવી ગયા અને તેમણે સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તમારાથી જે થાય તે કરી લો અમને મજા આવશે તેવું જ કરશું એવું કહી સમિરે છરી વડે ફરિયાદીના પિતા પર હુમલો કર્યો હતો તો યાશીને ધારિયા વડે માથામાં મારતા ફરિયાદીના પિતાને માથાના ભાગે ઇજાઓ પહોચી હતી. રફિયા હજામનો દીકરો ધોકો મારવા જતાં ફરિયાદી વચ્ચે પડતાં માથામાં ધોકો વાગતા ઇજાઓ પહોચી હતી. આ દરમિયાન રાડારાડ કરતાં ફળીયાના લોકો એકત્ર થઈ જતાં આરોપીઓ ત્યાથી ચાલ્યા ગયા હતા. ફરિયાદીના પિતાને સારવાર અર્થે અંજાર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા. પોલીસે આ 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.