ગાંધીધામમા તસ્કરો જાણે બેફામ બન્યા છે. તસ્કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની ઘટના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં નારાયણભાઈ ભાગચંદભાઈ મુલચંદાણિયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ ગાંધીધામમાં આપના નગર મકાન નં એ-76માં રહે છે. ફરિયાદી તા. 29-12ના રાત્રિના સાડા આગિયારેક વાગ્યે પોતાની દીકરી લતા સાથે દીકરા રોકીના ઘરે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ 1-1ના બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ફરિયાદીને તેમના મોટા દીકરા દિનેશનો ફોન આવ્યો અને ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદીએ તા.2-1ના સવારે આશરે 10 વાગ્યાના અરશામાં ઘરે આવી જોતાં મેઇન દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઘરની અંદર રાખેલ લોખંડના કબાટમાં રહેલ લોકર તૂટેલું હતું અને લોકરમાં રહેલ 1,42,000ના સોના ચાંદીનાની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.