અંજારમાં યુવકને વ્યાજના ચકડોળમાં ફસાવી, ઉઘરાણી મુદ્દે મારમારતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજારમાં વ્યાજખોરે યુવક પાસેથી ઊંચા વ્યાજદર લઈ મારમારી ધમકી આપી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.આ અંગે ફરિયાદ નોંધાવતાં સુલેમાન સીધીક કલરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, આજથી ચાર મહિના અગાઉ ફરિયાદીને રૂપિયાની જરૂર હોવાથી તેને અંજારમાં ઓકટ્રોય ચોકી પાસે આવેલ ઓફીસમાથી ફારૂક અબ્બાસ શેખ પાસેથી 10 હજાર રૂપિયા 20 ટકા લેખે લીધેલ હતા. ફરિયાદીએ ટુકડે ટુકડે આરોપી ફારૂકને વ્યાજ લેખે 12 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ ગઈ કાલે સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં ફારૂકે ફરિયાદીને કહ્યું હતું કે તારે મને 6 હજાર રૂપિયા આપવાના છે કહી ગાળો આપવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપા-ઝપી કરતાં ફરિયાદીને કપાળના ભાગે ઇજાઓ પહોચી હતી. ઉપરાંત આરોપીએ ફરિયાદીને અમે શેખદાદા છીએ અમારા રૂપિયા નહિ આપે તો હાથ પગ ભાંગી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી ફારૂક અબ્બાસ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.