માંડવીના બાંભડોઈમાં 2 શખ્સોએ અદાણી કંપનીના સિનિયર ઓફિસર સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

આ અંગે અદાણી કંપનીના મેનેજર દીપકભાઈ ભગવાનભાઈ સરવાલિયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર માંડવીના બાંભડોઈમાં અદાણી કંપનીની નવી પવનચક્કીઓ નાખવાનું કામ ચાલુ થવાનું હોવાથી સીમમાં સામાન પહોચાડવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન સુરેન્દ્રસિંહ જાડેજા તથા નાનુભા જાડેજાએ કંપનીની ગાડીઓ આ ચાલી શકે તે માટે આ બંને શખ્સોએ પોતાના કબજાની વાડીની બહાર જાહેર રસ્તામાં જે.સી.બી.થી ખાડા કરી દીધેલ. જેથી અદાણી કંપનીના સિનિયર ઓફિસર વિપુલ પ્રજાપતિ તથા કંપનીના માણસો આ ખાડા પૂરી રહ્યા હતા તે સમયે બંને આરોપીઓ પૂછ્યા વગર રસ્તાના ખાડા કેમ પૂરો છો કહેતા કંપનીના ઓફિસર વિપુલભાઈએ જણાવ્યુ હતું આ જાહેર સરકારી રસ્તો હોવાથી અમારી કંપનીની ગાડીઓ અને સમાનના અવાર-જવર માટે રસ્તો ખુલ્લો કરી રહ્યા છે. જેથી બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. નાનુભા જાડેજાએ વિપુલભાઈને પાછળથી પકડીને ધાક-બુશટનો મારો માર્યો હતો જ્યારે સુરેન્દ્રસિંહ જાડેજાએ શર્ટનો કોલર પકડી થપ્પડ મારી મૂઢમાર ઇજાઓ પહોચાડી હતી. ઉપરાંત બીજીવાર આ રસ્તે નીકળશો કે કંપનીની ગાડીઓ કાઢી છે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. માંડવી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.