ઝુરામાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી મારામારી કરતાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ઝુરામાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં વિનોદભાઈ ભીમજીભાઈ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ઝુરા ગામના બસ સ્ટેશન પાસે ધીરજ લાખાભાઇ ધુઆ, વિનોદભાઈ ભીમજીભાઇ મહેશ્વરી, ચેતન ચાંપશીભાઈ મહેશ્વરી, રાણા ગોવિંદ ધુઆને વિક્રમસિંહ, ભરતસિંહ, પ્રદીપસિંહ, દિલીપસિંહ ઝગડો કરી બેટ વડે મારા મારી કરી રહ્યા હતા. તે સમયે ફરિયાદી વચ્ચે પડતાં પ્રદીપસિંહે પોતાના હાથમાં રહેલ બેટ વાસાના ભાગે માર્યો હતો અને વચ્ચે પાડવાનું નહિ કહ્યું હતું. તે સમયે લોકો ભેગા થઈ જતાં તેઓ ચાલ્યા ગયા હતા અને જતાં જતાં ધમકી આપી હતી કે, આજે તો બચી ગયા છો બીજી વાર મળશો તો જીવતા નહિ મૂકીએ કહી અપશબ્દો બોલી જાતિ અપમાનિત કરી હતી. ત્યારબાદ લોકો એકત્ર થઈ જતાં ધીરજભાઈએ જણાવ્યુ હતું દિવાળીના સમયે આ શખ્સો સાથે ફટાકડા બાબતે બોલાચાલી થયેલ હતી. તે વાતનું મનદુખ રાખી ઝગડો કરી બેટ વડે માર માર્યો હતો. ત્યારબાદ ઇજા પામેલ લોકોને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.