ગાંધીધામમાં ચોરે ઘરમાં પ્રવેશ કરી 2 મોબાઈલ ફોનની ચોરીને અંજામ આપ્યો

ગાંધીધામમાં તસ્કરો જાણે બેફામ બન્યા છે. ગાંધીધામમાં ચોરોએ ઘરમાં ઘૂસી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા ચોરી ગયા હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસે ચોપડે નોંધાઈ છે.

આ અંગે અલ્પેશભાઈ જવાનજીભાઇ ઉણેચાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.8-1ના રોજ તેઓ પોતાના ઘરે પરિવાર સાથે સાડા અગિયાર વાગ્યે સૂઈ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે જાગીને જોતાં ઘરનો મેઈન દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. તેમજ ફરિયાદીએ ખાટલા ઉપર મૂકેલો મોબાઈલ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ ફરિયાદીના પિતાજી જાગી જતાં તેમનો પણ મોબાઈલ નજરે પડ્યો ન હતો. તેમજ ફરિયાદીએ પેન્ટના ખિસ્સામાં મુકેલ પર્સ અને 1800 રૂપિયા રોકડા પણ મળી આવ્યા ન હતા. તેથી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ કિ.રૂ. 14800ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.