અમદાવાદથી ભુજ ફરવા આવેલ સહેલીએ જ પોતાની મિત્રના 1.18લાખના દાગીના લઈ છુ-મંતર

અમદાવાદથી પોતાની મિત્ર સાથે ભુજ ફરવા આવેલ મિત્રે જ છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે અમદાવાદનાં ઘોડાસર મીનાપાર્ક વટવા પી.જી.પંડ્યા કોલેજ રોડ પાસે રહેતા વિધવા રમીલાબેન ગિરધારલાલ તિવારીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, બનાવના એક દિવસ પૂર્વે જ તેમની મણીનગરમાં રહેતી મનીષા ઉર્ફે સલમા સાથે મુલાકાત થઈ હતી. મનીષાએ ફરિયાદીને ઓળખતી હોવાનું અને ખુદ એડવોકેટ હોવાનું જણાવી વિધવા સહાયની રકમમાં વધારો કરાવી આપવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ આરોપી ફરિયાદી રમીલાબેનનો વિશ્વાસ કેળવી ભુજ ફરવા માટે લઈ આવેલ. તેઓ 26-11ના ભુજ ફરવા માટે આવેલ હતા તે દરમિયાન ભુજ છઠ્ઠીબારી રિંગ રોડ સહિયર બ્યુટી પાર્લર પાસે આવતા આરોપી મનીષાએ ફરિયાદીને કહ્યું હતું કે, મારા ઉપરી અધિકારી સાથે મિટિંગ છે અને વિધવા સહાય રકમમાં વધારાની વાત કરવા માટે મુલાકાત કરવાની છે. પરંતુ આવી હાલતમાં અધિકારી જોસે તો રકમમાં વધારો ન પણ કરી આપે અને મારુ પણ ખરાબ લાગશે. જેથી બ્યુટી પાર્લરમાં લઈ જઈ વ્યવસ્થિત થઈ જાઓ કહી, આરોપી મનીષા ફરિયાદીને સહિયર બ્યુટી પાર્લરમાં લઈ ગયેલ અને બ્યુટી પાર્લરવાળા બેનને ફરિયાદીનું ફેસીયલ, વેક્સ, આઈબ્રો કરવા જણાવ્યુ હતા. તેમજ આરોપીએ ફરિયાદીએ પહેરેલા દાગીના વેક્સમાં નડતરરૂપ થશે તેવું કહી ફરિયાદીના કાનમાં પહેરવાની સોનાની બુટી, સોનાની બે બંગડી તથા સોનાની વીંટી, ચાંદીની પગની પાયલ તેમજ પર્સમાં મુકેલ રોકડા રૂપિયા 700 હોટેલના રૂમની ચાવી તેમજ ફરિયાદીના મકાનની ચાવી મળી કુલ 1,18,700 નો સામાન લઈ એ.ટી.એમ માથી રૂપિયા કઢાવીને આવું એવું કહી જતી રહી હતી. ત્યારબાદ ઘણીવાર રાહ જોયા બાદ પરત ન ફરતા પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. ભુજ પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.