બંધડીના પંચેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરી
copy image
બંધડીના પંચેશ્વર મહાદેવના મંદિરમાં દાનપેટીમા રહેલ 10,000 રૂપિયાની તસ્કરી થઈ હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતા દેવગીરી ગુરુશીલચરણ ગીરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તા.18-1ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામાં પંચેશ્વર મહાદેવના મંદિરના પુજારી કૈપુ સુબા વેંકટેશ્વર રેડડીનો ફોન આવેલ અને તેમણે જણાવ્યુ હતું કે પંચેશ્વર મહાદેવ મંદિર બંધડી ખાતે 4 અજાણ્યા શખ્સોમાથી 3 શખ્સો મંદિર અંદર પ્રવેશી મેલડી માતાજીનાં મંદિરમાં રહેલ દાનપેટી ચોરી ગયેલ છે, જેમાં આશરે 10,000 જેટલા રોડકા રૂપિયા હતા. ચોર મંદિર પરિસરમાથી બાઉન્ડ્રી બહાર જઈ બે બાઈક પર બેસી નાસી ગયા હતા. ફરિયાદીએ આ અંગે બંધડી ગામના સરપંચ તથા અન્ય લોકોને જાણ કરતાં તેઓએ ચોરનો પીછો કરી મંદિરથી આશરે દોઢેક કિલોમીટર દૂર સીમમાથી મંદિરની ખાલી દાનપેટી તથા GJ-12-EK-3418 બાઈક સાથે બે ચોરને ઝડપી પાડ્યા હતા. તેઓએ પોતાના નામ 1. નરેશ માનસંગ કોલી ઉ.વ.24 રહે, લખાસરી 2. કમલેશ જેસંગ કોલી ઉ.વ.22 રહે, લખાસરી હોવાનું અને વધુમાં અન્ય બે શખ્સો 3. દિપક રામા કોલી રહે, લખાસરી તથા 4. ગોગા ઉર્ફે મુકેશ પ્રતાપ કોલી રહે, લખાસરી દાનપેટીના રૂપિયા લઈ જઈ નાસી ગયા હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ગામના સરપંચ પરબતભાઈ જગાભાઈ ચાવડાએ ભચાઉ પોલીસ સ્ટેશનમા આ અંગે જાણ કરી પકડાયેલ 2 શખ્સોને પોલીસને સોંપ્યા હતા. ભચાઉ પોલીસે આ ચારેય ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.