ગાંધીધામમાં યુવકનો ચેક બાઉન્સ કરાવી રૂ. 16,46,000ની છેતરપિંડી આચારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે વિનાયક સોસાયટી આદિપુરમાં રહેતા જ્યોતિબેન હિતેશભાઈ ચૌહાણે જનતા કોલોની ભારતનગરમાં રહેતા મહેન્દ્ર માવજી ભાનુશાળી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમના પતિ હિતેશભાઈ હરિલાલ ચૌહાણે મહેન્દ્ર માવજી ભાનુશાળી પાસેથી ધંધા અર્થે 3,00,000 રૂપિયા માસિક 3%ના દરે વ્યાજ પેટે લીધેલ હતા. તેઓ વ્યાજ નિયમિત ચૂકવતા હોવા છતાં તેને વ્યાજ દર 3% માથી 5% કરી દીધો હતો. 2021માં ફરિયાદીના પતિએ આરોપી મહેન્દ્ર ભાનુશાળીને 7,00,000 વ્યાજ સહિત રોકડા તથા 1,65,000 ખાતામાં અલગ અલગ દિવસે આપ્યા હોવા છતાં આરોપી ફરિયાદીના પતિ પાસે રૂપિયાની માંગણી કરતો હતો. તેમજ મહેન્દ્ર ભાનુશાળીએ હિતેશભાઈ પાસેથી સિક્યુરિટી પેટે રૂ.11,96,000નો ચેક છેતરપિંડીથી લીધેલ હતો. ત્યારબાદ આરોપીએ જ્યોતિબેનના નામનો ચેક તેમની જાણ બહાર લઈ 4,50,000ની રકમ ભરી પોતાની સહી કરી બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીના પતિ પાસેથી લીધેલ 11,96,000નો ચેક બાઉન્સ કરાવ્યો હતો. આમ, આરોપીએ છેતરપિંડી આચરી 16,46,000ની ઠગાઇ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.