અમદાવાદનાં વેપારીઓ સાથે સસ્તાં સોનાના નામે ભુજની ટોળકીએ 21 લાખની ઠગાઈ આચરી

આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે અમદાવાદના પ્લાયવૂડના વેપારી કૃપેશભાઇ ચંદ્રકાંતભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ચારેક મહિના પહેલા તેઓના વોટ્સએપના `ઓનલાઇન ટિમ્બર’ના ગ્રુપમાં સસ્તું સોનું લેવું હોય તો જણાવજો તેવી પોસ્ટ આરોપી અનિલભાઇએ મૂકી નંબર આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ તે નંબર પર સંપર્ક કરતાં તેઓ ભુજ રહેતા હોવાનું જણાવી ભુજ આવવાનું કહ્યું હતું. સસ્તા સોનાની લાલચમાં ફરિયાદી ભુજ આવ્યા હતા. જ્યાં માધાપર નળવાળા સર્કલ પાસે તેમની મુલાકાત અનિલભાઇ સાથે થયેલ અને તેમણે  સેમ્પલ રૂપે સોનાનું બિસ્કિટ બતાવ્યું હતું અને ઓછામાં ઓછું એક કિલો સોનું આપીએ છીએ તેવું જણાવ્યું હતું. આરોપીએ એક કિલોનાં નાણાં લઇ બીજીવાર આવજો એવું જણાવ્યુ હતું. ત્યારબાદ આરોપી અનિલ ફરિયાદીને વારંવાર ફોન કરી અને વધુ ડિસ્કાઉન્ટ આપવાની પણ વાત કરતાં ફરિયાદી કૃપેશે તેના મિત્રો જતિનભાઇ અને જય સીતાનાથને  સસ્તાં સોનાં અંગે વાત કરતાં તેઓ રૂપિયાનુ રોકાણ કરી ત્રણેય ભાગીદારીમાં સસ્તું સોનું લેવા નક્કી કર્યું હતું. ફરિયાદી સહિત ત્રણે જણ 31/12ના ભુજ આવ્યા હતા અને અનિલ તેને જ્યુબેલી સર્કલથી મિરઝાપર હાઇવે રોડ પર તયબાહ રેસિડેન્સીમાં લઇ ગયો હતો અને અન્ય આરોપી હનીફભાઇ તથા હાજીખાન શેખ દાઉદથી મુલાકાત કરાવી હતી. જ્યાં તેઓએ ખિસ્સામાંથી સોનાંનું બિસ્કિટ બતાવ્યું હતું અને એક કિલો લેવા જણાવતાં ફરિયાદીએ એટલા રૂપિયા ન હોવાનું અને અડધો કિલો લેવાની વાત કરી હતી. ફરિયાદીએ નાણાં ભેગા ન હોવાથી આંગડિયા મારફત મગાવ્યા હોવાનું જણાવી ભુજ પી.એમ.આંગણિયામાં રૂા. 21 લાખ આંગડિયામાં લેવા માટે અન્ય એક અજાણ્યો આરોપી ફરિયાદી સાથે આવ્યો હતો. નાણાં લઇ આરોપીઓને  આપ્યા બાદ સોનું થોડીવારમાં આવે છે તેવું જણાવ્યા બાદ હાલ પોલીસની ચેકિંગ ચાલુ હોવાથી અમારી પાછળ ગાડી લઇને આવો રસ્તામાં સોનું આપશું તેવું જણાવી લઈ ગયા હતા ત્યારબાદ ફરિયાદી અમદાવાદ સુધી પહોંચી ગયા પરંતુ સોનું ન મળ્યું. ત્યારબાદ ફરિયાદીએ આરોપીને ફોન કરતાં 2 દિવસ સુધી તેમના ફોન બંધ આવેલ હતા. ત્યારબાદ ફોન ચાલુ થતાં ફરિયાદીએ આરોપીઓને કહ્યું કે, તમે અમારી સાથે ચિટિંગ કરી છે. અમે ગરીબ માણસો છીએ, અમને રૂપિયા પરત આપી દો. આરોપીએ  બે-ચાર દિવસમાં નાણાં પાછા આપવાની ખાતરી આપ્યા બાદ પણ સોનું ન આપતા અને નાણા પરત  કરતાં ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.