ગાંધીધામમાં ધોળા દિવસે ઘરની બહાર પાર્ક કરેલ કારની ઉઠાંતરી કરાઈ
ગાંધીધામના ગોપાલપુરીમાં ઘરની બહાર પાર્ક કરેલ કાર ચોર ચોરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે અંજારમાં રહેતા કાંતિલાલ જયંતિલાલ મકવાણાએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાની માલીકીની મારૂતિ સુઝુકીની GJ-12-FA-2773 કાર જેની કિમત રૂ. આશરે 5 લાખ થાય છે તે કાર ગોપાલપુરીમાં તેમના પિતાજીના ઘરે પાર્ક કરી રાખે છે. તેઓ તા.27-11ના આશરે આગિયારેક વાગ્યે ગાંધીધામ ગોપાલપુરીમાં કાર પાર્ક કરી બપોરના આશરે દોઢ વાગ્યાના અરસામાં અંજાર ગયેલ હતા. સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદીના પિતા ઘરની બહાર આવી જોતાં પાર્ક કરેલ કાર સ્થળ પર જોવા મળી ન હતી. ફરિયાદીના પિતાએ આ અંગે ફરિયાદીને જાણ કરતાં બંનેએ કારની આસપાસ તપાસ કરતાં કાર ક્યાય મળી આવી ન હતી. આ ચોરી તા-27-11ના બપોરના દોઢ વાગ્યાથી સાંજના આશરે સાડા પાંચેક વાગ્યા દરમિયાન થયેલ છે. પોલીસે અજાણ્યા કાર ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.