કનૈયાબે મોખાણા ત્રણ રસ્તા પાસે બાઈક અને ડમ્પરનો અકસ્માત સર્જાયો: 2ના મોત

કનૈયાબે મોખાણા ત્રણ રસ્તા પાસે બાઈક ચાલકે પોતાના કબજામાં રહેલ બાઈક પૂર ઝડપે બેદરકારીથી ચલાવી ડમ્પરના પાછળના ભાગે અથડાવતા આ અકસ્માત સર્જાતો હતો. આ ઘટનામાં 2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા, જ્યારે 2 લોકોને ઇજાઓ પહોચી હતી.

આ અંગે માધવસિંહ શ્રવણસિંહ જગનનાથસિંહ રાજપુતે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.16-1ના રાત્રે મહેન્દ્રસિંહ રાજપૂતન રૂમ ઉપર આવેલ અને તેમણે જણાવ્યુ હતું કે, અમારા રૂમ પર જમવાનું બનાવેલ હોઈ આપણે સાથે જમશું. જેથી જમવા માટે ફરિયાદી માધવસિંહ તેમજ છીતરસિંહ તથા રાજેન્દ્રસિહ તથા મહેન્દ્રસિંહ ચાર જણા મહેન્દ્રસિંહની બાઇક નં. જી.જે. 12 એએફ-4752 લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન છીતરસિંહ બાઈક ચલાવી રહ્યા હતા. સાડા આઠેક વાગ્યાના અરસામાં કનૈયાબે મોખાણા ત્રણ રસ્તા પાસે પહોચતા સામે ભચાઉ બાજુથી આવી રહેલ ડમ્પર મોખાણા તરફ વળી રહ્યું હતું તે દરમિયાન છીતરસિંહે બાઈક બેદરકારીથી ચલાવી ડમ્પરના પાછળના ટાયરના ભાગના ઠાઠામાં અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક અને 3 બાઈક સવાર એમ ચારેય રોડ પર પટકાતાં ઇજાઓ પહોચી હતી. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં ફરિયાદીને જમણા પગમાં ફેકચર જેવી તો મહેન્દ્રસિંહ અમરસિંહ રાજપુતને શરીરે છોલછાલ જેવી ઇજાઓ પહોચી હતી. જ્યારે બાઈક ચાલક છીતરસિંહને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હોવાથી તેમનું ગઈ કાલે મોત નીપજયું હતું તો રાજેન્દ્રસિંહને વધુ સારવાર અર્થે અમદાવાદ શિફ્ટ કરાયા હતા જ્યાં તેમનું પણ મોત નીપજયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.