સુખપરની ગૌચર જમીનમાં 31 લાખના ખનિજની ચોરી
આ અંગે માનકૂવા પોલીસ મથકે ભુજની ભૂસ્તરશાત્રી કચેરીના માઈન્સ સુપરવાઈઝર યુવરાજદાન ગઢવીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેમની કચેરીમાં હિમાંશુ કાંતિલાલ ગોર દ્વારા સુખપરની સીમના ડુંગરમાં ગેરકાયદે ખનન થતું હોવાની અરજી કરવામાં આવેલ હતી. જેથી ખાણ ખનિજ વિભાગના સર્વેયરોએ ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં કોઈ મશીનરી કે વાહન મળી આવ્યા ન હતા, પરંતુ સુખપર રેવન્યૂની ગૌચર સર્વે નં. 133 પૈકીમાં કુલ્લે 9929.13 મેટ્રિક ટન મોરમ-માટી ખનિજનું બિનઅધિકૃત ખનન થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે તપાસના સમયે આ ખનન સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળતા સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ કચ્છના ટ્રસ્ટી કાનજીભાઈ દેવજીભાઈ મેપાણી (સુખપર)ને રૂબરૂ સ્થળ પર બોલાવતા તેમણે જણાવ્યુ હતું કે, સુખપરના સર્વે નં. 130 પૈકી 2ની 23500 ચોરસમીટર બિનખેતી થયેલી જમીન ટ્રસ્ટે ખરીદી છે અને જેમાં સંસ્થા દ્વારા સેવાઆશ્રમ તથા હોસ્પિટલ બનાવવામાં આવે છે જેનું કામ ચાલી રહ્યું છે અને આ કામમાં જે પૂરાણ થયું છે. આ જ કામમાં અંડરગ્રાઉન્ડ હોલ બનાવવા માટે નીકળેલા ખનિજનો ઉપયોગ પૂરાણ માટે કરતા હોવાનું જણાવ્યું હતું અને અન્ય જગ્યાએથી ખનિજ લાવતા ન હોવાનું જણાવ્યું હતું. ગૌચરમાં થયેલા ખનન અંગે તેઓ જાણતા ન હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ અને તલાટીને નોટિસ પાઠવી ગેરકાયદે રીતે થયેલાં ખનન અંગે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમની તરફથી કોઈ પ્રત્યુતર મળેલ ન હતો. આથી સુખપર ગ્રામ પંચાયત કચેરીએ લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, સુખપર ગામનું વિભાજન થયેલ અને સુખપર સર્વે નં. 133 (ગૌચર) સુખપર મદનપુરામાં આવે છે. આમ કોઈ અજાણ્યાએ 9929.13 મેટ્રિક ટન મોરમ/માટી ખનિજ જેની કિં. રૂા. 22,34,055 તેમજ પર્યાવરણીય નુકસાની વળતર રૂા. 9,15,963 એમ કુલ્લે રૂા. 31,50,018ની ખનિજચોરી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કરાઇ હોવાનું જણાવાયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.